દુનિયાભરમાં 10 કરોડથી વધુ લોકો કુદરતી આફતો, રાજકીય દમન, સંઘર્ષ અને હિંસાને કારણે બેઘર થઇ ગયા છે. શરણાર્થીઓ માટેના સંયુક્ત રાષ્ટ્રના હાઇ કમિશનર અનુસાર 2 કરોડથી વધુ એટલે કે દર પાંચમાંથી એક બેઘર યુરોપ અને લેટિન અમેરિકામાં છે. આ દેશોના અર્થતંત્રમાં તેઓનું મોટું યોગદાન છે.
શરણાર્થીઓ માટે એક સ્ટડીમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના સંશોધકોને જાણવા મળ્યું કે મૂળ રહેવાસી નાગરિકોની તુલનામાં શરણાર્થી પ્રવાસીઓ દ્વારા બિઝનેસ શરૂ કરવાની તેમજ નોકરીઓનું સર્જન કરવાની વધુ સંભાવના હોય છે. તેનાથી ખાસ કરીને મધ્યમથી લાંબી મુદતમાં અર્થતંત્ર અને સરકારી ખજાનામાં વધારો થાય છે. તેનાથી જોડાયેલા સમગ્ર ડેટા દર્શાવે છે કે પ્રવાસી શરણાર્થી દુનિયાની કુલ વસતીના લગભગ 3% છે, પરંતુ તેઓ દુનિયાની જીડીપીમાં 9%થી વધુ યોગદાન આપે છે. લેટિન અમેરિકા પર નજર કરીએ તો કોસ્ટા રિકાની વસતીમાં શરણાર્થીઓની સંખ્યા 9% છે પરંતુ જીડીપીમાં યોગદાન 12% છે. આઇએમએફ અનુસાર, વેનેઝુએલાના શરણાર્થીઓનો કોલંબિયા, ઇક્વાડોર, ચિલી અને પેરુના અર્થતંત્રમાં આ દાયકામાં 2.5% થી 4.5% સુધીનું યોગદાન હોય શકે છે.