યાત્રાધામ અંબાજીમાં ભરાયેલો ભાદરવી પૂનમનો મહામેળો શુક્રવારે ચરમ સીમાએ પહોંચ્યો. ધોમધખતા ભાદરવા ના 39 ડિગ્રી આકરા તાપમાં પણ દૂર દૂરથી પગપાળા સંઘો લઇને આવતાં ભક્તોની શ્રદ્ધામાં તસુભાર પણ ઓટ ના દેખાઇ. શુક્રવારે 5મા દિવસે સાંજ સુધીમાં 3.63 લાખ માઇભક્તોએ મા અંબાનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. શનિવારે પૂનમ હોઇ શ્રદ્ધાળુઓથી માનું ધામ છલકાઇ ઉઠશે.
આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો
ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીને લઇ વર્ષ 2020 અને 2021માં ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો હોઇ આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો, તો સાથે દાનની આવકથી ભંડારો પણ છલકાયો. ટેમ્પલ ટ્રસ્ટના આંકડા મુજબ, વર્ષ 2019માં 7 દિવસનો મેળો ભરાયો હતો.
5 દિવસમાં 20,11,612 યાત્રિકોએ દર્શન કર્યા
જેમાં ચૌદસ સુધી એટલે કે 6 દિવસમાં 16,34,891 લોકોએ દર્શન કર્યાં હતાં અને રૂ.3,67,36,772 દાનરૂપે આવક થઇ હતી. જેની સરખામણીમાં આ વર્ષે મેળાના 5 દિવસમાં 20,11,612 યાત્રિકોએ દર્શન કર્યા અને રૂ.4,41,71,173નું દાન મળ્યું છે. એટલે કે, યાત્રિકોની સાથે દાનનો પ્રવાહ પણ વધ્યો છે.
અંબાજીથી 25 કિમી સુધી શ્રદ્ધાળુઓનો છુટોછવાયો પ્રવાહ
અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા અને સુચારુ આયોજન વચ્ચે શરૂ થયેલા ભાદરવી મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની શક્તિની ઉપાસના થકી આરાસુરની ગિરિકંદરાઓ ગૂંજી ઊઠી છે દૂરદૂરના અંતરેથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ અંબાજીમાં ઠલવાઇ ચૂક્યો છે. અસ્ખલિત વહેતાં ઝરણાંની જેમ આગઇ વધતાં ભક્તોનો મોટો જથ્થો પૂનમના એક દિવસ પૂર્વે શુક્રવારે યાત્રાધામમાં આવી પહોંચ્યો છે. સાંજે અંબાજીથી 25 કિમીના અંતરે શ્રદ્ધાળુઓનો છુટોછવાયો પ્રવાહ જોવા મળી રહ્યો છે.