અમેરિકામાં H-1B વિઝા ફી વિવાદ વચ્ચે, ચીને દુનિયાભરના ટેલેન્ટેડ યુવાનોને આકર્ષવા માટે "K-વિઝા" શરૂ કરવાની જાહેરાત કરી છે. તેને યુએસ H-1B વિઝાના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. નવા વિઝા 1 ઓક્ટોબર, 2025થી અમલમાં આવશે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, K-વિઝા એવા યુવાન અને કુશળ વ્યાવસાયિકો માટે છે જેઓ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) ક્ષેત્રમાં સંકળાયેલા છે અને જેમણે કોઈ પ્રખ્યાત યુનિવર્સિટી અથવા રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અથવા હાલમાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અથવા રિસર્ચ કરી રહ્યા છે.
અરજદારોએ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. વધુ વિગતો ચીની દૂતાવાસો અને કોન્સ્યુલેટ દ્વારા જાહેર કરવામાં આવશે. ચીનની સરકારે ઓગસ્ટમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી.
ચીન હાલમાં 12 પ્રકારના વિઝા જારી કરે છે. હાલમાં, Z-વિઝાનો ઉપયોગ ચીનમાં કામ માટે થાય છે. તેની માન્યતા એક વર્ષની છે. જો કે, K-વિઝા વિદેશીઓને લાંબા સમય સુધી ચીનમાં રહેવાની મંજૂરી આપે છે. જો કે, આ વિઝાનો ચોક્કસ સમયગાળો હજુ સુધી જાણી શકાયો નથી.
નવા K-વિઝા જૂના વિઝા નિયમોથી અલગ છે કારણ કે તે કેટલાક મહત્વપૂર્ણ લાભો આપે છે જે વર્તમાન Z વિઝામાં નથી. Z વિઝા ધરાવતો વિદેશી જે ચીનમાં કામ કરવા માંગે છે તેણે પહેલા ચીનની કંપની અથવા સંસ્થા પાસેથી નોકરીની ઓફર અથવા સ્પોન્સરશિપ મેળવવી આવશ્યક છે.
પરંતુ K-વિઝામાં આ આવશ્યકતા નથી. અરજદારોને સ્થાનિક કંપનીમાં નોકરી કરવાની જરૂર નથી. ફક્ત ઉંમર, શિક્ષણ અને કાર્ય અનુભવ જેવી લાયકાતોને ધ્યાનમાં લેવામાં આવશે. આનાથી વિદેશી વ્યાવસાયિકો માટે અરજી કરવાનું સરળ બનશે.