નામિબિયામાં દુષ્કાળને કારણે ભૂખમરાની સ્થિતિ છે, જેને કારણે ત્યાંની સરકારે 700 પશુની હત્યાનો નિર્ણય લેતાં અમદાવાદનું જીવદયાપ્રેમી તપોવન યુથ એલ્યુમની ગ્રૂપ (ત્યાગ) અનાજનો જથ્થો મોકલશે. ‘દિવ્ય ભાસ્કર’માં નામિબિયા સરકારના આ નિર્ણય વિશેનો અહેવાલ છપાયા બાદ આ ગ્રૂપે પશુઓની હત્યા અટકાવવા અને નાગરિકોને ભોજન મળી રહે તે માટે અનાજનો જથ્થો પૂરો પાડવા માટે નામિબિયાના ભારત ખાતેના રાજદૂતનો સંપર્ક કર્યો હતો. આ સાથે જ નામિબિયામાં ખેતીને પણ પ્રોત્સાહન આપવા જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું, જેના પગલે નામિબિયાના રાજદૂતે તેમની સરકાર સાથે વાત કરી હતી. ત્યાગના મૅનેજિંગ ટ્રસ્ટી હિમાંશુ શાહના જણાવ્યા અનુસાર આચાર્યસમ પન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મ.સા.એ 35 વર્ષ પહેલાં સ્થાપિત તપોવન સંસ્કારપીઠમાં મળેલા સંસ્કારોથી પ્રેરિત આ ગ્રૂપે નામિબિયાના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, કેબિનેટ સેક્રેટરી તેમ જ નામિબિયા ખાતેના ભારતના રાજદૂતને ઈ-મેલ દ્વારા પશુઓની હત્યા અટકાવવા અને અનાજનો જથ્થો પૂરો પાડવાની રજૂઆત કરી હતી, જેથી 14 સપ્ટેમ્બરે સાંજે નામિબિયાના ભારત ખાતેના રાજદૂત ગેબ્રિયલ સિનિમ્બોએ તેમને રવિવારે મીટિંગ કરવા દિલ્હી બોલાવ્યા હતા. જેના પગલે રવિવારે સવારે હિમાંશુ શાહ, દેવર્ષી શાહ અને અભય શાહની ત્રણ સભ્યની ટીમ દિલ્હી પહોંચી હતી.
આ મુલાકાત દરમિયાન ત્યાગ ગ્રૂપની ટીમે નામિબિયા સરકારને દુષ્કાળના સમયે અનાજની મદદ કરવાની સાથે ‘જીવો અને જીવવા દો’ની ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતા પશુઓની હત્યા અટકાવવા રજૂઆત કરી હતી. તેની સાથે જ નામિબિયામાં ચાલતા એનિમલ ફાર્મિંગને બદલે એગ્રીકલ્ચર ફાર્મિંગ તરફ લોકોને વાળવા માટે પણ સહકાર આપવાની રજૂઆત કરી હતી. આ પ્રસંગે રાજદૂતે ત્યાગ ગ્રૂપના સભ્યોને નામિબિયા સરકાર તરફથી પૂરતો સહકાર મળશે તેવી બાંયધરી આપી હતી.