ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝન શુક્રવાર 31 માર્ચથી શરૂ થઈ રહી છે. 4 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે લીગની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ 70 સ્ટેજ અને 4 પ્લેઓફની મેચ રમશે.
2008થી શરૂ આ લીગમાં પહેલી વખત ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થયો છે. આ નિયમ હેઠળ ટીમ પ્લેઇંગ-11માં સામેલ કોઈ પણ એક ખેલાડીને ટીમની બહાર બેન્ચ પર બેસેલા ખેલાડી સાથે રિપ્લેસ કરી શકશે. એક્સપર્ટનું માનવું છે કે આ નિયમથી ઓલરાઉન્ડર્સનો પ્રભાવ ઓછો થશે અને ગુજરાત, લખનઉ અને રાજસ્થાન જેવી ટીમને ફાયદો મળશે.
આગળ સ્ટોરીમાં આપણે આ નિયમ વિશે વિગતવાર જાણીશું. આ નિયમ શું છે, ટીમ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકશે, ટીમ કયા પ્લેયરને ઇમ્પેક્ટ ખેલાડી બનાવી શકશે અને આ નિયમને લઈને એક્સપર્સનો અભિપ્રાય શું છે.
ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ, ટીમ પ્લેઈંગ-11માં કોઈપણ એક ખેલાડીને IPL મેચ વચ્ચે બેન્ચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકશે. ટીમ ટોસ પછી પ્લેઇંગ-11 સાથે 4-4 સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓના નામ પણ આપવા પડશે. આ 4માંથી કોઈપણ એક મેચની વચ્ચે પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીને રિપ્લેસ કરી શકશે.
આ નિયમનો ઉપયોગ બંને ઈનિંગમાં એકથી 14 ઓવરની વચ્ચે થઈ શકે છે. એક ટીમ આખી મેચમાં માત્ર એક જ વાર પ્લેયર રિપ્લેસમેન્ટ નિયમનો ઉપયોગ કરી શકશે. જો તે ઈચ્છે તો પહેલી ઈનિંગની 14 ઓવર સુધી અથવા બીજી ઈનિંગની 14મી ઓવર સુધી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.