ઇલેક્ટ્રિક વાહનો પર સબ્સિડી ઘટવાની તેમજ આગળ ન મળવાની આશંકાએ કંપનીઓ ફરી એકવાર ચીન તરફ ઝોક ધરાવી રહી છે. ચીની સ્પેરપાર્ટ્સની આયાત 40% સુધી વધી છે. તેનાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને ઝટકો લાગ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત ઇવી એક્સ્પો, 2023માં ઇવી કંપનીઓએ તેને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને વધારવા માટે ફેમ સબસિડી જેવી પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી હતી. તેની અસર પણ જોવા મળી હતી, પરંતુ આ વર્ષે 1 જૂનથી સરકારે બેટરી સબસિડી 15,000 થી ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ કરી છે. એક્સ-ફેક્ટરી પ્રાઇઝની 40% મહત્તમ સબસિડી લિમિટ પણ ઘટાડીને 15% કરવામાં આવી છે. 20 ડિસેમ્બર 2023ના રોજ રાજ્ય સભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં સંસદીય સમિતિએ સબસિડી યથાવત્ રાખવા માટે ભલામણ કરી છે પરંતુ અત્યાર સુધી અણસાર જોવા મળ્યા નથી.
સબસિડી રકમમાં 66% કાપ: દિલ્હીની કંપની અલ્ટિયસ ઇવી ટેકના સ્થાપક ડિરેક્ટર રાજીવ અરોરાએ જણાવ્યું હતું કે તેઓને પહેલા બાઇક પર 53 હજાર રૂપિયા સબસિડી મળતી હતી. હવે તે 66% ઘટીને 18 હજાર થઇ ચૂકી છે. એટલે જ તેમણે બાઇકની કિંમત ઓછી રાખવા માટે ભારતને બદલે ચાઇનીઝ મોટરની સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.