નર્મદા સહિતની નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન અનેક નિર્દોષ પરિવારોના માળા પીંખી રહ્યું છે. ભરૂચ તાલુકાના અસુરિયા ગામે રહેતાં અને કરજણ તાલુકામાં લગ્નની કંકોતરી આપવા નીકળેલાં આધેડને નારેશ્વર પાસે ડમ્પરના ચાલકે કચડી નાખતાં તેમનું મોત નીપજયું છે.
સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તંત્ર રેતીમાફિયાઓ સામે કાર્યવાહી નહિ કરે તો ગુરૂવારથી નારેશ્વર ખાતે ધરણા કરવાની ચીમકી આપી છે. એક વર્ષ પહેલાં પણ નારેશ્વર રોડ પર ઝનોર ગામના બે લોકો સહિત 3 લોકોને ડમ્પરે કચડી નાંખ્યાં હતાં.
નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન
કરજણ પાસે આવેલાં નારેશ્વર પાસે કંકોતરી આપવા જઇ રહેલાં ભરૂચ તાલુકાના અસુરીયા ગામના રહેવાસી પર રેતી ભરેલું ડમ્પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તેઓ તેમના સંબંધી સાથે એકટીવા લઇને કરજણ તાલુકામાં રહેતાં સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં હતાં દરમિયાન નારેશ્વર પાસે રંગ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ડમ્પરે પાછળથી ટકકર મારતાં તેમના પર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા તેમનું મોત થયું હતું.