Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકન કોંગ્રેસના સભ્ય પ્રેમા જયપાલે શુક્રવારે કહ્યું કે, તેમને ભારત પાછા જતા રહેવાના ધમકીભર્યા મેસેજ મળી રહ્યા છે, ત્યારે ભારતીય સમાજની એ આશંકા સાચી સાબિત થઈ કે, અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકાના વિવિધ ભાગોમાં ચાર ભારતીય પર હુમલા થયા. એક મહિનામાં આવી અડધો ડઝન ઘટના બની. ન્યૂયોર્કના એક મંદિર બહાર ગાંધીજીની પ્રતિમાની પણ તોડફોડ થઈ.


ભાસ્કર સાથે વાતચીતમાં પીડિતોએ કહ્યું કે, આ હુમલાની અનેક ઘટનાઓની તો પોલીસ ચોપડે નોંધ પણ નથી લેવાતી. હકીકતમાં ટ્રમ્પની ચૂંટણીમાં હાર પછી અમેરિકનોની માનસિકતા બદલાઈ છે. ચાર ભારતીય અમેરિકન મહિલાઓ પર મેક્સિકો મૂળની મહિલાએ ટેક્સાસમાં હુમલો કર્યો હતો.

તેણે વંશીય ટિપ્પણીઓ પણ કરી. હુમલાખોર એસ્મેરાલ્ડા અપટોન બૂમો મારીને બોલી હતી કે, દરેક જગ્યાએ ભારતીયો દેખાય છે. ભારતીયો અમેરિકાને બરબાદ કરી રહ્યા છે. તમે ભારત પાછા જાઓ. તો એક પીડિત રાણી બેનર્જીએ કહ્યું કે, તેને ગોળી મારવાની ધમકી મળી છે. અમને કોઈ ખરેખર ગોળી ના મારે. ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીલ માખીજાએ કહ્યું કે, સતત હુમલાની મનોવૈજ્ઞાનિક અસરોનો ઉકેલ લાવવો જોઈએ.

અમેરિકન ભારતીયોના સંગઠન હિંદુપેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાખી અસરાનીએ કહ્યું કે, હેટ ક્રાઈમ સામાન્ય થઈ ગયા છે. બે મહિના પહેલાં રિચમન્ડ હિલ્સમાં નિશાન બનેલા કુલદીપ સિંહે કહ્યું કે, અહીં ભારતીયોનો દબદબો વધ્યો છે, જેનાથી અમેરિકનોની માનસિકતા બદલાઈ છે. આવા હેટક્રાઈમ પહેલાં નહોતા થતા. છેલ્લાં 30 વર્ષમાં આટલો ડર મને નથી લાગ્યો. અમેરિકન શ્વેતોના મગજમાં એવું ઠસી ગયું છે કે, ભારતીયો દરેક સ્થળે દેખાઈ રહ્યા છે. તેમના મગજમાં એવું ભરાઈ રહ્યું છે કે, તમે ખતરામાં છો. તમારી જગ્યા પ્રવાસીઓ લઈ લેશે.