બજેટમાં રજૂ કરાયેલી દરખાસ્તો સુસંગત છે અને વર્ષ 2024-25માં સતત ચોથા વર્ષે 7%નો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવામાં મદદ કરશે તેવું આર્થિક બાબતોના સચિવ અજય શેઠે જણાવ્યું હતું. ભૌગોલિક રાજકીય તણાવને કારણે જોખમ હોવાની શક્યતા હોવા છતાં 7%નો આર્થિક વૃદ્ધિદર હાંસલ થઇ શકે છે.
વર્ષ 2020-21 દરમિયાન 5.8%ના ઘટાડા બાદ વર્ષ 2021-22 દરમિયાન 9.1%નો આર્થિક વૃદ્ધિદર નોંધાયો હતો. વર્ષ 2022-23 દરમિયાન આર્થિક વૃદ્વિદર 7.2% હતો અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આંશિક વધારા સાથે 7.3%ની આસપાસ રહેવાનો અંદાજ છે. 2024-25ના વચગાળાના બજેટમાં 10.5%ના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અંદાજ પ્રમાણે બજેટ અંદાજ 2024-25માં જીડીપી રૂ.3,27,71,808 કરોડ સાથે 10.5% રહેવાનો અંદાજ છે. અમારો જે અંદાજ છે તે 10.5% છે અને આગામી વર્ષ માટે તે વાસ્તવિક છે. ચાલુ નાણાકીય વર્ષ માટે તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્રનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે અને સરકારની પોલિસી, વલણ તેમજ મૂડીખર્ચ પર ફોકસની વ્યાપકપણે અસર જોવા મળશે તેમજ તેનાથી રોજગારીનું સર્જન પણ શક્ય બનશે.
સરકારે આગામી નાણાકીય વર્ષ માટે મૂડીખર્ચ 11.1% વધારીને રૂ.11.11 લાખ કરોડ કર્યો છે, જેનો અગાઉનો અંદાજ રૂ.9.5 લાખ કરોડ હતો. સરકારે કુલ ખર્ચને અંકુશ હેઠળ રાખવા માટે કેટલાક પગલાં પણ લીધા છે. બજેટ 2024-25નું કદ વધારીને 47.66 લાખ કરોડ કરવામાં આવ્યું છે.