અમેરિકામાં યોગનો ક્રેઝ વધી રહ્યો છે. 33 કરોડની વસ્તીવાળા અમેરિકામાં દર પાંચમી વ્યક્તિ એટલે કે 6.5 કરોડ લોકો યોગ કરે છે. 2002માં માત્ર 4% અમેરિકનો યોગ કરતા હતા. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના સરવે અનુસાર 75% અમેરિકનોના મતે યોગ તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
અમેરિકામાં યોગની લોકપ્રિયતાને કારણે તેનું માર્કેટ 1.32 લાખ કરોડ પર પહોંચ્યું છે. તેમાં યોગ ક્લાસનું માર્કેટ રૂ.48 હજાર કરોડ તેમજ યોગની મેટ અને યોગ માટેના પોષાકનું માર્કેટ રૂ.38 હજાર કરોડનું હતું.
70% સારા આરોગ્ય, 30% દુખાવાથી રાહત માટે યોગ કરે છે સીડીસી સરવે અનુસાર 90% અમેરિકનો હવે યોગથી પરિચિત છે. ત્રણ વર્ષ પહેલાં આ સંખ્યા 75% હતી. સરવે અનુસાર 70% અમેરિકનો સારા આરોગ્ય માટે યોગ કરે છે, જ્યારે 30% લોકો કોઇ દુખાવાથી રાહત મેળવવા માટે કરે છે. ગરદન અને પીઠના દુખાવાથી પરેશાન લોકો વધુ યોગ કરે છે. યોગ કરનારા અમેરિકનો માત્ર તેનો ફાયદો જાણીને જ ઉત્સુક નથી, પરંતુ સાથે જ તેના ઇતિહાસ અને ફિલોસોફીને પણ સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે અનેક યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થાઓના વિદ્ધાન તેનાં પાસાંઓ પર અભ્યાસની સાથે સાથે તાલીમ લઇ રહ્યા છે. ઉદાહરણ તરીકે રાજ બલકરણ જેવા યોગવિદ્ધાન યોગિક સ્ટડીઝ જેવા ઑનલાઇન પ્લેટફોર્મ પર યોગની બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક તાલીમ આપી રહ્યા છે.