રાજકોટ શહેરમાં અલગ-અલગ 140 જેટલી સરકારી કચેરીઓના ચલણો ભરવા માટે બહુમાળી ભવનમાં આવેલી એકમાત્ર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જ વ્યવસ્થા હોવાથી અરજદારોને ભારે હાલાકી અનુભવી પડી રહ્યાની ફરિયાદો ઊઠી છે. તેમજ આ બેંક દ્વારા સિનિયર સિટિઝનો માટે કોઇ અલગથી સુવિધા પણ રાખવામાં આવતી ન હોવાની રાવ ઊઠી છે. રાજકોટ શહેરમાં આવેલી રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ જેવી પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્ટેમ્પ ડ્યૂટી કચેરી, સિટી સરવે કચેરી, નશાબંધી અને આબકારી શાખા સહિત અલગ-અલગ 140 જેટલી કચેરીના ચલણ ભરવા માટે બહુમાળી ભવનમાં આવેલી એકમાત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના પરિણામે ચલણ ભરવા આવતા મોટાભાગના અરજદારોને દરરોજ લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું હોવાની અને આખો દિવસ હેરાન થતા હોવાની રાવ ઊઠી છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સ્ટાફની મર્યાદાને કારણે લિમિટેડ ટેબલો પર જ ચલણો સ્વીકારવાની કામગીરી થતી હોવાથી દરરોજ બેંકની બહાર બહુમાળી ભવનના પાર્કિંગ સુધીની લાઇનો લાગતી હોવાનું જાણવા મળે છે. તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણ ભરવા આવતા સિનિયર સિટિઝનો માટે કોઇ અલગથી સુવિધા રાખવામાં પણ ન આવતી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેના પરિણામે સિનિયર સિટિઝનોને લાઇનમાં હેરાન થવું પડતું હોવાની વ્યાપક રાવ ઊઠી છે. જાણવા મળ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચલણ ભરવા આવતા અરજદારોને ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક હેરાન થવું પડે છે અને ત્યારબાદ જ તેમનો વારો આવે છે. અનેક અરજદારો તો સવારે 10 વાગ્યાના લાઇનમાં ઊભા રહી ગયા બાદ છેક બપોર પછી તેમનો વારો આવતો હોવાની રાવ પણ સાંભળવા મળી રહી છે.