હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈદ વીતી ગયા પછી પણ અમેરિકા, ઈજિપ્ત અને કતારની મધ્યસ્થીથી થયેલી યુદ્ધવિરામ મંત્રણામાં કોઈ પરિણામ આવી શક્યું નથી. ત્યારે હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હમાસ પાસે ગાઝામાં 40 ઇઝરાયલી બંધકો જીવિત નથી. આ બંધકો થકી ઇઝરાયલ સાથે પ્રસ્તાવિત યુદ્ધવિરામની શરતો મૂકવામાં આવી હતી.
ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મધ્યસ્થીના વાટાઘાટોકારોને આ અંગે જાણ કરવામાં આવી છે. આ દાવાથી એવી આશંકા વધી ગઈ છે કે ધાર્યા કરતાં વધુ બંધકો માર્યા ગયા છે. આ દાવો એવા સમયે કરાયો છે જ્યારે યુદ્ધવિરામ અને સ્થિરતા, ઉત્તર ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની વાપસી અને અન્ય મુદ્દાઓને લઈને મતભેદના કારણે ઈઝરાયેલ સાથે વાતચીત અટકી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય વાટાઘાટોકારોએ શરૂઆતમાં છ સપ્તાહના યુદ્ધવિરામની દરખાસ્ત કરી છે. આ અંતર્ગત હમાસ પહેલાં ઈઝરાયલની જેલમાં બંધ સેંકડો પેલેસ્ટાઈનીઓના બદલામાં 40 બંધકોને મુક્ત કરશે અને અન્ય માગણીઓ કરશે. આ જૂથમાં મહિલાઓ, વૃદ્ધો, બીમાર બંધકો અને પાંચ મહિલા ઇઝરાયલી સૈનિકોનો સમાવેશ થશે.
ઈઝરાયલના અધિકારીઓનું માનવું છે કે ગાઝામાં લગભગ 130 ઈઝરાયલી બંધકો છે. ઇઝરાયલી ગુપ્તચર અધિકારીઓએ દાવો કર્યો છે, બંધકોમાંથી 30 માર્યા ગયા છે. નોંધનીય છે કે, ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર આતંકવાદી હુમલા બાદ હમાસે લગભગ ઈઝરાયલના 240 લોકોનું અપહરણ કરીને બંધક બનાવી લીધા હતા