દેશમાં એપ્રિલ મહિના દરમિયાન પેસેન્જર વાહનો તેમજ ટૂ-વ્હીલર્સના રિટેલ વેચાણમાં ઘટાડો થયો છે અને બીજી તરફ થ્રી-વ્હીલર્સ, ટ્રેક્ટર્સ અને કોમર્શિયલ વ્હીકલ્સના વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA) અનુસાર પેસેન્જર વાહનોનું વેચાણ 1 ટકા ઘટીને 2,82,674 યુનિટ્સ રહ્યું હતું.
1 એપ્રિલથી ઉત્સર્જનના ધોરણોના અમલીકરણને કારણે કિંમતોમાં વૃદ્ધિને કારણે લોકોએ માર્ચ મહિનામાં જ વધુ વાહનની ખરીદી કરી હતી જેને કારણે પણ એપ્રિલમાં વેચાણ ઘટ્યું હતું. છેલ્લા આઠ મહિનામાં પહેલી વાર પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે જે મંદ પડેલી માંગને દર્શાવે છે. ફાડાના પ્રેસિડેન્ટ મનીષ રાજ સિંઘાનીયાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023માં રેકોર્ડ વેચાણ નોંધાવનાર પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં એપ્રિલમાં સુસ્તી જોવા મળી હતી. તેનું કારણ ગત વર્ષનો હાઇ બેઝ અને OBD 2A ધોરણો છે જેને કારણે વાહનોની કિંમત વધી હતી અને લોકોએ એપ્રિલમાં ભાવવધારા પહેલા માર્ચમાં જ ખરીદી કરવાનો ટ્રેન્ડ અપનાવ્યો હતો.