ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર 72 કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના તાપમાનમાં નવ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં સોમવારે છ જિલ્લામાં પારો 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગના મતે, આ સપ્તાહે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લૂ ફૂંકાશે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્ય ભારતમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર થઇ જશે. રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી જશે. આ દરમિયાન રાજસ્થાનના બાડમેરમાં મંગળવારે પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર થઇ ગયો હતો. ગરમીના કારણે જનજીવન પર અસર થઈ શકે છે.
માવઠું અને પહાડો પર હિમવર્ષાના કારણે આ વર્ષે મેમાં સરેરાશ પારો 15 ડિગ્રી સુધી ઓછો રહ્યો છે. ગયા વર્ષે પહેલી મેના દિવસે દેશમાં સરેરાશ મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી રહ્યું હતું જે આ વર્ષે 28.7 ડિગ્રી રહ્યું છે. પાંચમી મે 2022ના દિવસે 39.1 ડિગ્રી સેલ્સિયસ પારો હતો, જે આ પાંચમી મેના દિવસે 32.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે.
ચક્રવાતી તોફાન મોકાનાં કારણે બંગાળમાં પારો વધી ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે એક અલગ પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે. 11મી મે સુધી લૂની ચેતવણી જારી કરાઇ છે. કોલકાતામાં પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે.