સાયબર ગઠિયાઓ અવનવા કીમિયા કરીને લોકો સાથે છેતરપિંડી આચરતા રહે છે. રાજકોટ શહેરના વધુએક વેપારી સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. વેપારીના બેંક ખાતામાંથી બારોબાર ટ્રાન્ઝેક્શન કરી ગઠિયાઓએ રૂ.39,75,023ની છેતરપિંડી આચરી હતી.
શહેરના પેલેસ રોડ પરના વર્ધમાનનગરમાં રહેતા વેપારી હિતેષભાઇ અરવિંદભાઇ શાહે (ઉ.વ.53) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક મોબાઇલ નંબર પરથી ફોન કરનાર અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું, હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પેડક રોડ પર શાહ રાયચંદ પ્રેમચંદ એન્ડ કંપની નામે સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે અને પેઢીના નામનું એચડીએફસી બેંકનું પેલેસ રોડ શાખામાં ખાતું છે અને તેમજ પેઢીના નામનું બેંક ઓફ બરોડાની રણછોડનગર શાખામાં ખાતું છે.
ગત તા.29ના હિતેષભાઇના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે મોબાઇલ કંપનીમાંથી વાત કરતા હોવાનું અને 5જી અપડેટ કરવાનું છે તેમ કહેતા વેપારી હિતેષભાઇએ ના કહી હતી જોકે થોડીવાર બાદ હિતેષભાઇના મોબાઇલનું સિમકાર્ડ બંધ થઇ ગયું હતું અને કોઇને ફોન લાગતો નહોતો.
ત્યારબાદ બે દિવસ માટે હિતેષભાઇ અને તેના પત્ની મુંબઇ મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં ગયા હતા અને તા.1ના પરત આવતાં જ પંચનાથ મંદિર પાસે આવેલી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીની ઓફિસે જઇ પોતાના મોબાઇલનું સિમકાર્ડ ચાલુ કરાવ્યું હતું, તે સાથે જ હિતેષભાઇને તેના પિતા અરવિંદભાઇ શાહે ફોન કરીને પૂછ્યું હતું કે, પેઢીના એચડીએફસી બેંકના ખાતામાંથી તમામ રકમ બેંક ઓફ બરોડાના ખાતામાં શા માટે ટ્રાન્સફર કરાવી? આ વાત જાણી હિતેષભાઇ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે રકમ ટ્રાન્સફર કરાવી ન હોવાથી તે સીધા બેંક ઓફ બરોડાની શાખાએ પહોંચતા તેમને જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી અલગ અલગ બેંકમાં રૂ.39,75,023 ટ્રાન્સફર થયા છે,