બનાસકાંઠાના ડીસામાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાનું વતન અને દત્તક લીધેલા જુનાડીસા ગામમાં પાણી વગર લોકો હેરાન થતા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક મહિનાથી અનિયમિત અને નહિવત જેટલું પાણી આવતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે બુમરાડ ઉઠવા પામી છે. દર વર્ષે અહીં ઉનાળામાં પાણીની તીવ્ર અછતના કારણે અનેક વિસ્તારોના લોકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડે છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આવેલા પ્રજાપતિ નગર વિસ્તારની પણ આજ સ્થિતિ છે. આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અહીં પાણી એકાદ બે દિવસે અને તે પણ અનિયમિત આવતું હોવાથી મહિલાઓની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે. પીવાના પાણી માટે પણ આમ તેમ રખડવું પડે છે. તો ક્યારેક ન છૂટકે લોકોએ પૈસા ખર્ચીને પણ પાણીનું ટેન્કર મંગાવવુ પડે છે. જુનાડીસા ગામ એ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયાનું વતન અને દત્તક લીધેલું ગામ છે. તેમ છતાં પણ આ ગામમાં તેમના જ વિસ્તારમાં પાણીની આવી સમસ્યા છે. તો બીજા વિસ્તારની શું હાલત થશે તે જાણી શકાય છે.