રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટની 5 દિવસીય જનસંઘર્ષ યાત્રા સોમવારે પૂરી થઈ હતી. પાઇલટે જયપુર નજીકના મહાપુરા ગામમાં સભા સંબોધી હતી. તેમણે રાજ્ય સરકારને 30 મે સુધીનો સમય આપતાં કહ્યું હતું કે તેમની 3 માગણી પૂરી નહીં થાય તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલન થશે.
પાઇલટની 3 માગણી
રાજસ્થાના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરીને પુન:રચના કરવામાં આવે.
વસુંધરા સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય કાર્યવાહી કરવામાં આવે.
પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે.
પાઇલટે એમ પણ કહ્યું હતું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે.
કર્ણાટકમાં 40 % ભ્રષ્ટાચારનો મુદ્દો હવે રાજસ્થાન પણ પહોંચ્યો છે. સચિન પાઇલટની સભામાં ગેહલોત સરકારના મંત્રી અને ધારાસભ્યો પણ જોડાયા હતા. તેમાંના ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકની સરકારમાં તો 40 % જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. સરકારનું તંત્ર ડખે ચડ્યું છે. મંત્રી ધારીવાલની ઑફિસમાંથી એક પણ ફાઇલ ભ્રષ્ટાચાર વિના નથી નીકળતી.