આજરોજ વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત મનપા દ્વારા શહેરમાં મુખ્ય 4 સ્થળો (1) રેસકોર્સ ગ્રાઉન્ડ, (2) નાનામવા સર્કલ, (3) ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીન લેન્ડ ચોકડી, અને (4) મહાત્મા ગાંધી મ્યુઝિયમ ઉપરાંત તમામ વોર્ડ ઓફિસો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 75 જેટલી સ્કુલોમાં અને 23 આરોગ્ય કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રેસકોર્સ ખાતે પૂર્વ CM રૂપાણી અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ યોગા કર્યા હતા. આ તકે મેયર ડો. પ્રદિપ ડવ, ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કમિશ્નર આનંદ પટેલ, શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે યોગાનાં જુદા-જુદા આસનો કર્યા હતા. તો કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ ડોક્ટરની મનાઈ હોવાથી યોગા કર્યા નહોતા પરંતુ તેઓ પણ હાજર રહ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાતા શહેર યોગમય બની ગયું હતું.
આ તકે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની પહેલ બાદ વિશ્વમાં યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર હજારોની સંખ્યામાં લોકોએ યોગા કરી યોગ દિવસ ઉજવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં યોગનું ખાસ મહત્વ રહેલું છે. યોગ શરીર, મન બુદ્ધિ અને આત્માનું જોડાણ છે. આ વખતે 'સમગ્ર વિશ્વ એક કુટુંબ છે' તેવી થીમ સાથે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ ફલક ઉપર યોગાનું મહત્વ લઈ જવામાં પ્રધાનમંત્રી મોદીનો મોટો ફાળો છે. તો આજે પીએમ મોદી યુનોમાં યોગ કરાવનાર હોવાની જાણકારી પણ તેમણે આપી હતી.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પ્રયાસોથી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને 180 દેશો સાથે પ્રધાનમંત્રી પોતે પણ યોગા કરશે. એવી જ રીતે અહીં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવી રીતે રાજ્યના તમામ જિલ્લા મથકો અને તાલુકા મથકોએ મળીને ગુજરાતમાં એકાદ કરોડ લોકોએ યોગા કર્યા છે. યોગા કરવાથી તનની સાથે મન પણ પ્રફુલ્લિત થાય છે. માટે લોકોએ દરરોજ યોગા કરવા જોઈએ.