બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ 1952માં ક્વિન એલિઝાબેથે રાજ સંભાળ્યું ત્યારથી ડૂબવા લાગ્યો હતો. ક્વીન તેમનાં શાસનકાળમાં 15 દેશનાં વડાં રહ્યાં હતાં. હવે તેમનાં નિધન પછી તેમના પુત્ર ચાર્લ્સ તૃતીય કિંગ બન્યા છે. ચાર્લ્સ સામે બ્રિટિશ સામ્રાજ્યનું કદ યથાવત્ રાખવાનો સૌથી મોટો પડકાર છે.
2025માં ઓસ્ટ્રેલિયા, એન્ટિગા-બર્મુડા અને જમૈકામાં જનમત સંગ્રહ થવાનો છે, જેમાં આ દેશની પ્રજા બ્રિટિશ સામ્રાજ્યને આધીન રહેવા કે નહીં રહેવા માટે મતદાન કરશે. એવું કહેવાય છે કે આ દેશોમાં બ્રિટિશ બ્રિટનની રાજાશાહી વિરુદ્ધ માહોલ છે. આ દેશોને પ્રજાસત્તાક બનાવવા માટે ‘સેલ્ફ રુલ કેમ્પેન’ પણ શરૂ થઈ ગયું છે.
કેનેડાઃ 3.81 કરોડની વસતીમાંથી 34% લોકો જ કિંગ તરીકે ચાર્લ્સને જોવાનું પસંદ કરે છે. એંગ્સ સરવેમાં 66% લોકોએ જ જનમત સંગ્રહનું સમર્થન કર્યું. ફ્રેન્ચભાષી ક્યુબેકમાં 71% લોકો બ્રિટિશ સામ્રાજ્યથી અલગ થવા ઈચ્છે છે.
ઓસ્ટ્રેલિયાઃ 1999માં થયેલા જનમત સંગ્રહમાં 54% લોકોએ બ્રિટિશ સામ્રાજ્ય સાથે રહેવાની ઈચ્છા દર્શાવી હતી. હવે પીએમ અલ્બાનીઝે બ્રિટિશ સામ્રાજ્ય છોડવા રિપબ્લિક મિનિસ્ટર બનાવ્યા છે અને 2025માં જનમત સંગ્રહ થશે.
ન્યૂઝીલેન્ડઃ આશરે 51 લાખની વસતીમાંથી 42% લોકો બ્રિટિશ સામ્રાજ્યથી જુદા થવા ઈચ્છે છે. પીએમ જેસિન્દા આર્ડનને શક્યતા વ્યક્ત કરી છે કે મારા જીવનકાળમાં ન્યૂઝીલેન્ડ બ્રિટિશ સામ્રાજ્યથી જુદું થઈ શકે છે.