અમેરિકામાં 5 નવેમ્બરના રોજ યોજાનાર પ્રમુખપદની ચૂંટણી પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. જ્યોર્જિયાની એક અપીલ કોર્ટે સત્તાવાર રીતે ટ્રમ્પની ચૂંટણીમાં હસ્તક્ષેપના કેસની સુનાવણી છેક ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. આરોપ છે કે ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોને ગેરકાયદે રીતે ફેરફાર કરવાનું કાવતરું રચ્યું હતું. હવે જ્યોર્જિયા કોર્ટના નિર્ણય બાદ નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં સુનાવણી શક્ય નથી. હશ મની કેસમાં ન્યૂયોર્ક કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પની લોકપ્રિયતાને અસર થઈ. એક સરવે મુજબ ટ્રમ્પ અને બાઈડેનની લોકપ્રિયતા વચ્ચેનો તફાવત ઘટીને એક ટકા થઈ ગયો છે. ટ્રમ્પ લોકપ્રિયતામાં બાઈડેન કરતાં 3%ના અંતરથી આગળ હતા, જે હવે બરોબરીના સ્તરે પહોંચી ગયા છે.
સરવેમાં સામેલ 53 વર્ષીય રિપબ્લિકન સમર્થક ટાબોરનું કહેવું છે કે કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પ પર ભરોસો રહ્યો નથી. તે જ સમયે, ડ્રગ એડિક્ટ્સ અને જેલમાં સજા ભોગવીને પાછા ફરેલા લોકો માટે કામ કરતી જેમી બેકવિથ કહે છે કે ટ્રમ્પ દોષિત છે. તેથી મેં તેમને મત ન આપવાનો નિર્ણય લીધો છે.