પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. એક તરફ જ્યાં વિવાદિત નિવેદનોને કારણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આજીવન અયોગ્ય જાહેર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યાં બીજી તરફ શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકારમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ સૌની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની ગેરહાજરીએ પાર્ટીની અંદર શંકા પેદા કરી છે અને અનેક સાંસદો વર્તમાન પીએમ શાહબાઝ શરીફ અને તેમની કેબિનેટ વિરુદ્ધ બોલવા લાગ્યા છે.
આ સ્થિતિ બાદ પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફ આગામી બેથી ત્રણ મહિનામાં વાપસી કરવા સંપૂર્ણપણે તૈયાર છે. જોકે આ બધું આગામી આર્મી ચીફની નિમણૂક પર નિર્ભર છે. આ સમીકરણને જોતાં ઈમરાન ખાને આરોપ મૂક્યો છે કે અમેરિકા દ્વારા લવાયેલી સરકાર તેની મરજીનો સૈન્યપ્રમુખ લાવવા પ્રયાસ કરી રહી છે. એવામાં નવી સરકારના ચૂંટાવા સુધી વર્તમાન સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધારવામાં આવે. તેના પર સરકારે વળતો પ્રહાર કરતા કહ્યું કે દેશના બંધારણમાં કાયદા અનુસાર પાકિસ્તાનના પીએમ પાસે નવા સૈન્યપ્રમુખની નિમણૂક કરવાનો અધિકાર છે અને તે સુનિયોજિત રીતે આ નિમણૂકને વિવાદિત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે અમે તેમને કોર્ટમાં લઈ જઈશું. જ્યારે પીએમએલ-એનની અંદર જૂથવાદ વધી ગયો છે.
ગત મહિને જ્યારે સરકારે એક મહિનાથી ઓછા સમયમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા તો મરિયમ નવાઝે ભારે વિરોધ કર્યો. પીએમએલ-એનના અનેક સાંસદોએ પોતાની પાર્ટીના નાણામંત્રી અને વડાપ્રધાન શાહબાઝ શરીફના ખાસ મિફ્તાહ ઈસ્માઈલ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓની સાથે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમએલ-એનના નેતા હનીફ અબ્બાસી અને આબિદ શાયર અલી(બંને નવાઝ શરીફના ખાસ) એ તેમના જ નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલને તેમની લોકવિરોધી નીતિઓ માટે ચેતવણી આપી હતી.