કોરોના મહામારી બાદ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતત્તા વચ્ચે પણ ભારતીય ઉદ્યોગોએ વિસ્તરણની કામગીરી ચાલુ રાખી છે. ખાસકરીને એમએસએમઇ ઉદ્યોગોએ છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ બેન્કો પાસેથી ધિરાણ મેળવ્યું છે. દેશના કુલ જીડીપીમાં એમએસએમઇ સેક્ટરનો 35-40 ટકાથી વધુ હિસ્સો રહ્યો છે ત્યારે આ સેક્ટરનો મજબૂત ગ્રોથ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ દર્શાવે છે. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો (MSMEs)ને શેડ્યૂલ્ડ કોર્મશિયલ બેન્કો દ્વારા ધિરાણ આઠ વર્ષમાં 71% વધ્યું છે.
નાણાકીય વર્ષ 2014-15માં કુલ ધિરાણ 11.71 લાખ કરોડ રૂપિયા હતું જે ગત નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં વધીને 20.11 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે તેમ એમએસએમઇ રાજ્યમંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્માએ તાજેતરમાં લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તદનુસાર, 2014-15 થી 2020-21 વચ્ચે સાત વર્ષમાં લોન મેળવતા MSME લોન ખાતાઓની સંખ્યામાં 202% નો વધારો થયો છે. તેનો આંકડો 139.14 લાખથી વધીને 420.19 લાખ થયો છે. પરંતુ ગત વર્ષ 2021-22માં લોનની રકમમાં વધારો થવા છતાં લોન ખાતાઓની સંખ્યા 37% ઘટીને 264.67 લાખ થઈ ગઈ છે.