આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એ પટકથા લેખકોથી માંડીને નાણાકીય સલાહકારો સુધી, નોકરીના ઉદ્યોગોમાં ઊથલપાથલની શરૂઆત થઈ છે. એવું માનવામાં આવે છે કે આ ટેક્નોલોજી સામાન્ય રીતે મહિલાઓ દ્વારા કરાતી નોકરીઓનું સ્થાન લેશે. આવી આશંકા હ્યુમન રિસોર્સ એનાલિટિકલ ફર્મ રેવેલિયો લેબ્સના અભ્યાસ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
રેવેલિયો લેબ્સના અર્થશાસ્ત્રી હક્કી ઓઝડેનોરેને જણાવ્યું હતું કે વ્યવસાયમાં લિંગ તફાવત સમાજમાં ઊંડે સુધી મૂળિયાં જમાવી બેઠેલા પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે, સ્ત્રીઓ ઘણીવાર વહીવટી સહાયકો અને સચિવો જેવી ભૂમિકાઓ સુધી મર્યાદિત હોય છે. પરિણામે, એઆઈ ટેક્નોલોજીની અસરથી પણ જેન્ડર ગેપમાં વધારો થતો જણાય છે.
નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક રિસર્ચના અભ્યાસ અહેવાલના આધારે રેવેલિયો લેબ્સે એવી નોકરીઓ ઓળખી કાઢી છે કે જેને એઆઈ દ્વારા બદલી શકાય છે. પછી તેઓએ તે નોકરીઓને લિંગ દ્વારા વર્ગીકૃત કરી અને જાણવા મળ્યું કે તેમાંથી મોટા ભાગની નોકરીઓ સામાન્ય રીતે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. તેમાં બિલ અને એકાઉન્ટ કલેક્ટર, પેરોલ ક્લાર્ક અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી જેવી નોકરીઓનો સમાવેશ થાય છે.
હકીકતમાં, એઆઈ સેક્ટરમાં સતત થઈ રહેલી પ્રગતિ દુનિયાભરના કર્મચારીઓમાં લૈંગિક અસમાનતાને પ્રોત્સાહન આપી રહી છે. કંપનીઓ સ્ટાફની છટણી કરવાની અને તેના બદલે AIનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે.