શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના મધુવનપાર્કમાં રહેતો ડેરી સંચાલક 14 દિવસથી લાપતા થઇ ગયો હતો અને અંતે પડધરીના દેપાળિયામાં ફોરેસ્ટ ખાતાની કુટિરે તેનો લટકતો દેહ મળી આવ્યો, યુવકની હત્યા થયાની શંકા પરિજનોએ વ્યક્ત કરતા પોલીસે તપાસ કરી હતી.
પુનિતનગર પાસે મધુવનપાર્કમાં રહેતો અને પપૈયાવાડીમાં ખોડિયાર ડેરી ચલાવતો હાર્દિક લક્ષમણભાઇ મુંગરા (ઉ.વ.27) ગત તા.26ના ડેરીએ જવાનું કહી પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો, મુંગરા પરિવારે અનેક સ્થળે તપાસ કરવા છતાં તેનો પત્તો નહી લાગતાં હાર્દિકના ગુમ થવા અંગે તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
શુક્રવારે સવારે પડધરીના દેપાળિયા ગામે ફોરેસ્ટ ખાતાની કુટિરના પિલોરમાં દોરી સાથે બાંધેલી હાર્દિકની લાશ મળી હતી, ફાંસો ખાધેલી હાલત હતી પરંતુ તેના પગ નીચે અડેલા હોવાથી તેની હત્યા કરવામાં આવ્યાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરતા પડધરી પોલીસે મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પીએમ કરાવ્યું હતું. હાર્દિક બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો.