ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ મંગળવારે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 850 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટી પણ ફરી પાછું 23000નું લેવલ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને રિયાલ્ટી સેગમેન્ટમાં લેવાલી વધતાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી રહી છે. રજૂ થનારા બજેટ પૂર્વે અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે.
સ્મોકકેપ ઈન્ડેક્સ ગઈકાલે 1000 પોઈન્ટથી વધુ તૂટ્યા બાદ વધુ 900 પોઈન્ટ તૂટ્યો છે. અનંતરાજ, પાવર ઈન્ડિયા, અપાર ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઘણા સ્મોલકેપ શેર્સ 20% સુધી તૂટ્યા છે. મીડકેપ શેર્સ પણ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ઓટો, રિયાલ્ટી, અને બેન્કિંગ શેર્સમાં નીચા મથાળેથી ખરીદી વધી છે. આ સિવાય મોટાભાગના સેગમેન્ટમાં માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.61% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.77% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઓટો, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2666 અને વધનારની સંખ્યા 1308 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.