શહેરના ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે ઘોળે દિવસે 3 બદમાશે 1 કિલો સોનાના બિસ્કિટ રૂ. 65 લાખની લૂંટ કરી કારમાં ભાગી ગયા હતા. આ લૂંટમાં ક્રાઇમબ્રાંચે રોહિત, સૌરભ, મોહિતને વડોદરા હાઇવે પરથી પકડી પાડી તમામ મુદામાલ કબજે કર્યો છે. જો કે પોલીસે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી.જ્વેલર્સના માલિકે બે કર્મચારીઓને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ આપવા મંગળવારે બપોરે મોકલ્યા હતા. કારના નંબર આધારે કર્મચારીએ મદનલાલ શાહનું નામ આપ્યું હતું, પરંતુ તેઓ એક મહિલા સાથે બહાર ઊભા હતા.
દરમિયાન કારમાં બેઠેલા શખ્સે સોનાના બિસ્કિટ ચેક કરી, ચેક આપવાની વાત કરી હતી. કર્મચારીએ ચેક લેવા ના પાડી કર્મચારી પણ કારમાં બેસી ગયો. એટલામાં બીજા એક શખ્સે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી ત્રણેય યુવકો ભાગી છૂટ્યા હતા. કર્મચારીએ તાત્કાલિક માલિકને જાણ કરતાં માલિકે દોડી આવી પોલીસને જાણ કરી હતી.ઘોડદોડ રોડના પોદ્દાર આર્કડમાં સોનલ જ્વેલર્સના માલિક સંજય જૈનની ભટારમાં રહેતા મદનલાલ શાહ સાથે મિત્રતા છે. બનાવ અંગે જ્વેલર્સની દુકાનના સેલ્સમેન રાજેશ હીરાલાલ શાહે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી છે.
આ લૂંટમાં મહિલાની ભૂમિકા શંકાસ્પદ છે. આ મહિલા અને 3 લૂંટારૂઓ સુરત રેલવે સ્ટેશનની નજીકની હોટેલમાં રોકાયા હતા, જેમાં મહિલાએ હોટેલના રજિસ્ટરમાં પોતાનું નામ ખોટું લખાવીને મોબાઇલ નંબર આરોપીનો લખાવ્યો હોવાની હકીકત સામે આવી છે.