દેશમાં ઓગસ્ટ મહિના દરમિયાન રિટેલ ફુગાવો RBIના નિર્ધારિત લક્ષ્યાંક કરતા પણ વધુ રહેતા 7 ટકા જોવા મળ્યો હતો અને સપ્ટેમ્બરમાં પણ મોંઘવારી યથાવત્ રહે તેવી શક્યતા વચ્ચે RBI તેની આગામી MPCની બેઠક દરમિયાન રેપો રેટમાં વધુ 35 BPSનો વધારો કરે તેવી સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
જુલાઇ મહિના દરમિયાન રિટેલ મોંઘવારી 6.7 ટકા રહી હતી જે ઓગસ્ટ દરમિયાન વધીને 7 ટકાના સ્તરે જોવા મળી હતી. જે વર્ષ 2022ના દરેક મહિના દરમિયાન RBIની નિર્ધારિત મર્યાદા કરતા વધુ રહ્યો હતો. ઓગસ્ટમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ઉચ્ચ કિંમતને કારણે જે 7.2 ટકા રહી હતી તેને કારણે ફૂગાવો વધ્યો હતો. શહેરી વિસ્તારોમાં તે ફુગાવો 6.7 ટકા રહ્યો હતો.
ભારતીય રિઝર્વ બેન્કે આ વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં 140 બીપીએસનો વધારો કર્યો છે. ઓગસ્ટ મહિના દરમિયાન RBIએ રેપો રેટમાં 50 બેઝિઝ પોઇન્ટનો વધારો કર્યો હતો. જો કે ફૂગાવો 6 ટકાથી વધુના સ્તરે રહેતા વ્યાજદરોમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે. સ્વિસ બ્રોકરેજ UBS સિક્યોરિટીઝના મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી તનવી ગુપ્તા અનુસાર બેઝ ઇફેક્ટને ધ્યાનમાં રાખતા, સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ ફુગાવો વધે તેવી સંભાવના છે, પરંતુ ઓક્ટોબરથી તેમાં સુધારો જોવા મળે તેવી શક્યતા છે. જેને કારણે મોંઘવારીને અંકુશમાં રાખવા માટે RBI સખત વલણ અપનાવતા રેપોરેટમાં વધુ 35 બેઝિઝ પોઇન્ટનો વધારો કરશે.