સોની ફળિયામાં રહેતો ધો. 10 નાપાસ મકબૂલ ટ્રાવેલ ટિકિટની આડમાં હવાલાકાંડ કરતો હતો. મકબૂલ 3 હજાર સીમકાર્ડ દુબઇ મોકલી સાઇબર ફ્રોડ કરાવતો હતો અને તેનાં નાણાં સુરત મંગાવી ક્રિપ્ટોમાં કનવર્ટ કરી ફરી દુબઈ મોકલતો હતો.મકબૂલે કબૂલાત કરી હતી કે, મારા પુત્ર કાસિફને સાથે રાખી બસ્સામ અને માઝને 20 હજારના પગારે રાખ્યા હતા. તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને અન્ય એકાઉન્ટ હોલ્ડરો મળી કુલ 35 બેંક ખાતામાં સાઇબર ફ્રોડનાં નાણાં જમા કરાવતા. યુએસડીટી લે-વેચના નાણાં પણ જમા કરાવવા આ ખાતાનો ઉપયોગ કરતા હતા.
આ કામગીરી બસ્સામ કરતો. આ કામ માટે અવારનવાર દુબઇ જવાનું હોવાથી વિઝા મેળવવાની સરળતા રહે તે માટે દુબઇમાં ‘ડોક્ટર અબ્દુલ જનરલ ટ્રેડિંગ’ નામક બોગસ કંપની ઉભી કરી તેનું પણ ખાતું ખોલાવ્યું હતું. દુબઇમાં સાઇબર ફ્રોડ કરવા અલગ-અલગ વ્યક્તિઓને એક સીમકાર્ડ બે હજારના ભાવે વેચતા હતા. આ કામગીરી માઝ નાડા સંભાળતો હતો. માઝ મહિધરપુરા રહેતા મુર્તુઝા પાસે પ્રિ-એક્ટિવ સીમકાર્ડ 1500ના ભાવે ખરીદતો હતો.
મકબૂલ ડોક્ટરે અલગ-અલગ વ્યક્તિઓના નામના સેવિંગ ખાતા ખોલાવી અને બોગસ કંપનીઓના દસ્તાવેજો રજૂ કરી તે કંપનીઓના નામે કરંટ ખાતા ખોલાવ્યા હતા. પછી પ્રિ-એક્ટિવ કરેલા સીમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે સાઇબર ફ્રોડ કરતા હતા. તેના નાણાં બેંક ખાતામાં જમા કરાવતા હતા. આ નાણાં યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી તેને ફરી પાછા દુબઇ મોકલતા હતા. કૌભાંડ બે વર્ષથી ઓપરેટ કરાતું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, આ કૌભાંડમાં ટેરર ફંડિંગની પણ આશંકા છે.