ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચનો પ્રથમ દિવસ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. જયસ્વાલની ઇનિંગના આધારે ભારતીય ટીમે શુક્રવારે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 336 રન બનાવ્યા છે. જયસ્વાલ 179 રન બનાવીને અણનમ છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન 5 રન પર અણનમ છે.
શુક્રવારે વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓપનિંગ કરવા આવેલા ભારતીય કેપ્ટન આ નિર્ણયને યોગ્ય સાબિત કરી શક્યા નહતો અને 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તે નવોદિત બોલર શોએબ બશીરની બોલિંગમાં ઓલી પોપના હાથે કેચ આઉટ થયો હતો.
કેએસ ભરત (17 રન), અક્ષર પટેલ (27 રન), નવોદિત રજત પાટીદાર 32, શ્રેયસ અય્યર 27, શુભમન ગિલ 34 અને કેપ્ટન રોહિત શર્મા 14 રન બનાવીને આઉટ થયા હતા. શોએબ બશીર અને રેહાન અહેમદે બે-બે વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલી અને એન્ડરસને એક-એક વિકેટ લીધી હતી.