વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવાના પ્રયાસ રૂપે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ 10નાં નવાં પાઠ્યપુસ્તકોમાંથી તત્ત્વોના સામયિક વર્ગીકરણનું પ્રકરણ, લોકશાહી અને વિવિધતા પરનું પ્રકરણ, લોકશાહી પરના પડકારો પરનું સંપૂર્ણ પ્રકરણ અને રાજકીય પક્ષો પરનું પ્રકરણ કાઢી નાખ્યાં છે.
NCERT અનુસાર કોવિડને ધ્યાનમાં રાખતાં વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકમાંથી જે પ્રકરણ હટાવવામાં આવ્યાં છે તેમાં પર્યાવરણીય ટકાઉપણું અને ઊર્જાના સ્રોતનું પ્રકરણ છે. NCERT અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડીને સર્જનાત્મક માનસિકતા સાથે તેઓને પ્રાયોગિક શિક્ષણની તકો પૂરી પાડવા પર ભાર મૂકે છે. આ સંદર્ભે, NCERTએ દરેક વર્ગ માટે પાઠ્યપુસ્તકોને વધુ તર્કસંગત કરવાનો નિર્ણય લીધો છે.
પાઠ્યપુસ્તકોમાં રહેલાં પ્રકરણોને સમાન વર્ગના અન્ય વિષયમાં સમાવિષ્ટ સમાન પ્રકરણ સાથે ઓવરલેપિંગને ધ્યાનમાં રાખીને તર્કસંગત બનાવવામાં આવ્યાં છે. જોકે વિદ્યાર્થીઓ આ પ્રકરણનો આગળ જતા અભ્યાસ કરી શકશે પરંતુ તેના માટે તેઓને ધોરણ 11 અને ધોરણ 12માં આ વિષયોને પસંદ કરવા પડશે.