કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે તો બીજી તરફ વાવાઝોડાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગત પહેલી જૂને માછીમારોની સિઝન પૂર્ણ થઈ હતી. તમામ બોટ બંદર પર લાંગરી દેવામાં આવી હતી.આ તસવીર છે વેરાવળ બંદર પરની કે જ્યાં કલાત્મક રંગોળી જેવો નજારો બોટના થપ્પાનો છે.જાણે કે વાવાઝોડા પહેલાં જ બોટથી દરિયો ખાલી અને કાંઠો ભરાયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
કલાત્મક રંગોળી જેવો નજારો બોટના થપ્પાનો
હવે 53 દિવસ પછી ફરી માછીમારીની સિઝન શરૂ થશે.હાલ વાવાઝોડાની અસર ના પગલે તંત્ર સાબદુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે જો દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડ ફોલ થાય તો જ બોટને નુકસાન થઈ શકે છે. નહિતર નુકસાન થવાની સંભાવના નહીવત છે.
માછીમારોએ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચન
જો કે સિઝન બંધ દરમિયાન માછીમારો બોટ રીપેરીંગની કામગીરી ઉપરાંત સામાજીક પ્રસંગોમાં જોડાશે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાને ધ્યાને લઈ વેરાવળ દરિયા કાંઠા બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર એક લગાવાયું હતું. જ્યાર બાદ ગત રાત્રે ભયસૂચક સિગ્નલ નં. 2 લગાવામાં આવ્યુ છે. દરિયો તોફાની બનવાની સંભાવનાઓને લઈને માછીમારોએ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચન આપવામા આવ્યું હતું.