ગુજરાતમાં ભયંકર બિપરજોય ચક્રવાતનું સંકટ ઉભું થયું છે. દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દ્વારકામાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સંજોગોમાં દ્વારકા મંદિરમાં એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિર પર એક સાથે બે ધજા ચઢાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચઢાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આવનારું સંકટ ટળી જાય છે. આ લોક માન્યતાને પગલે જગત મંદિર પર હાલ બે ધજા ફરકી રહી છે. આ પહેલા 2021ના મે મહિનામાં તાઉતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિર પર બે ધજા એકસાથે ચઢાવવામાં આવી હતી. ત્યારે સંકટ ઓછું થયું હતું.