દેશમાં દર 4 જેન ઝેડમાંથી 1 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને કન્ટેન્ટ ક્રિએશન જેવી નવા યુગની નોકરી તરફ આકર્ષિત થઇ રહ્યાં છે જ્યારે 43% લોકો કારકિર્દીમાં સફળ થવા માટે વર્ક-લાઇફ બેલેન્સને પણ અવગણી રહ્યાં છે. જેન ઝેડના વલણો અને તેમના સપના, આકાંક્ષાઓ, કારકિર્દી માટેની યોજના પર પ્રકાશ પાડતા સ્ટડી ક્વેસ્ટ રિપોર્ટ 2024 અનુસાર માત્ર 9% યુવાઓ જ ઉદ્યોગસાહસિકતામાં ઝંપલાવવા ઇચ્છુક છે કારણ કે તેઓ જીવન અને કામમાં વધુ સ્થિરતા અને સલામતી ઇચ્છે છે.
વર્ષ 1995 થી 2010ની વચ્ચે જન્મેલા લોકોને જેન ઝેડ કહેવામાં આવે છે. વિવો ગ્રૂપની સબ સ્માર્ટફોન બ્રાન્ડ iQOOએ સાયબર મીડિયા રિસર્ચ સાથેના સહયોગમાં કરેલા અભ્યાસ અનુસાર દર 4માંથી એક ભારતીય કન્ટેન્ટ ક્રિએશન, ડેટા એનાલિસિસ, AI, સાયબર સિક્યોરિટી જેવી ન્યૂ એજ જોબ તરફ વધુ ઝોક ધરાવે છે.
દેશમાં 43% લોકો અને વૈશ્વિક સ્તરે 46% લોકો કારકિર્દીમાં સફળ થવા માટે વર્ક-લાઇફ બેલેન્સને પણ છોડી દેવા માટે તૈયાર છે. જ્યારે 62% યુવાઓ તેમના સપના સાકાર કરવા માટે તેમના શોખનો પણ ત્યાગ કરવા માટે તૈયાર છે.