અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજૉય વાવાઝોડાએ ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આગામી 15મી જૂનના બપોરે આ વાવાઝોડું કચ્છના જખૌ પોસ્ટ પર ટકરાય તેવી સંભાવના છે, જેના પગલે સંપૂર્ણ પોર્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. સોમવારે પોરબંદરમાં 9 નંબરનું અને માંડવીમાં 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સોમવાર સુધીમાં 15 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
આગામી 15મી જૂનના બપોરે આ વાવાઝોડું કચ્છના જખૌ પોસ્ટ પર ટકરાય તેવી સંભાવના
સૂત્રાપાડામાં દરિયાનાં પાણી અંદર ઘૂસી આવ્યાં હતાં તો સોરઠ પંથકના ગડુ અને માળિયામાં તો ચક્રવાતની આડઅસર રૂપે 8 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ અને ગીર-સોમનાથ પંથકમાં સર્વત્ર 1થી 8 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ઊના અને કોડીનાર પંથકમાં 2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ અને માળીયા પંથકમાં તો 8 ઈંચ સુધી પાણી વરસી ગયું હતું. બિપરજૉય વાવાઝોડું વધુ નજીક આવતાં સમુદ્રમાં મોજાં 10થી 15 ફૂટ સુધી ઉછળ્યાં હતાં.