રાજકોટ જિલ્લો જમીન કૌભાંડો માટે કુખ્યાત છે, એક જ જમીન અનેકને વેચાઈ હોય તેવા તો અનેક દાખલા હશે પણ જમીન બિનખેતી થઈ હોય અને 58-58 પ્લોટ વેચાઈ ગયા હોય આમ છતાં મૂળ ખાતેદારના વારસદારો ફરીથી પુન:ખેતી કરવાની અરજી કરે એટલે તમામ પ્લોટધારકોના દસ્તાવેજોને નેવે મૂકીને તત્કાલીન જિલ્લા કલેક્ટરે જ ખેતીની જમીન હોવાનો હુકમ કરી હાઈવે ટચની જમીન એક જ ખાતે ચડાવી દેવાનું અંદાજે 60 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના તરઘડી ગામે આવેલી સરવે નંબર 50ની જમીન નારણ હીરા ચાવડાના નામે 12 એકર જમીન હતી. તેઓએ બિનખેતીની અરજી કરતા 1957માં બિનખેતીનો હુકમ કરી દેતા કપાત બાદ 48564 ચોરસ મીટર જમીન તેમના હિસ્સે આવી હતી. આ જમીનમાં 58 પ્લોટ પાડવામાં આવ્યા હતા અને રાજકોટના શ્રીમંત પરિવારો તેમજ મુંબઇના પરિવારોનો સંપર્ક કરી રોકાણ કરાવ્યું હતું.
1963 સુધીમાં આ તમામ પ્લોટ વેચાઈ જતા હવે તેમાં નારણ હીરા ચાવડાનો કોઇ હક્ક હિસ્સો ન હતો. તેણે જેને જમીન વેચી હતી તેઓ પણ વિદેશ રહેતા હોવાથી આ જમીન પર કોઇ બાંધકામ થયું ન હતું. આ તમામ રજિસ્ટર્ડ દસ્તાવેજની નોંધ હક્કપત્રકમાં પડી હતી તલાટી દફ્તરે પણ તેની નોંધ પડી હતી. ત્યારબાદ આ પ્લોટ પૈકી અમુક તો બેથી ત્રણ વખત વેચાઈ ગયા છે. વર્ષો બાદ 2008માં નારણ હીરા ચાવડાના વારસદારોએ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી કે, આ સરવે નંબરની 12 એકર જમીન તેમણે બિનખેતી કરાવી હતી પણ તેઓ સક્ષમ ન હોવાથી બાંધકામ કરી શક્યા નથી એટલે પુન:ખેતી કરી આપવામાં આવે.