રાજકોટમાં બુધવારે પવનની ઝડપ 30થી 40 કિ.મી. રહી હતી. જો કે, સાંજે પવન બિલકુલ થંભી ગયો હોય તેમ વાતાવરણ શાંત થઈ ગયું હતું. દિવસ દરમિયાન બે-ત્રણ વાર માત્ર વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતાના અનુમાન મુજબ રાજકોટમાં વાવાઝોડાની અસર આજે ગુરુવારે બપોરે 2 વાગ્યા પછી દેખાશે.
જે રાત સુધી જળવાઈ રહેશે. વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજકોટમાં 50થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને મધ્યમથી ભારે વરસાદ પડશે. મોરબીમાં પણ વરસાદ પડશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજ રાત સુધી વાવાઝોડાની અસર રહેશે. શુક્રવારથી વાતાવરણ ચોખ્ખું થવાની શરૂઆત થઈ જશે, પરંતુ શનિવાર સુધી આંશિક વાદળો છવાયેલા રહે તેવી સંભાવના છે. ક્યાંક હળવા ઝાપટાં પડી શકે છે. તેવું અનુમાન છે.
વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડાની દિશા પહેલા ઉત્તર- ઉત્તર પશ્ચિમની હતી. બુધવારે સાંજે ઉત્તર- પૂર્વની થઈ છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે લેન્ડ થવાની સંભાવના છે. વાવાઝોડાની અસર સૌથી વધુ જામનગર, કચ્છ અને દ્વારકામાં થશે. શુક્રવારે પવન- વરસાદ રહેશે પરંતુ તેનું પ્રમાણ ઘટી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પવનની ઝડપ સામાન્ય દિવસ કરતા થોડી વધારે રહેશે. આ ઉપરાંત પવનને કારણે તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે. રવિવાર સુધી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી જળવાઈ રહેશે. વાવાઝોડા અને ભારે પવનને કારણે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહિ નીકળવા અને સાવધાની રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.