હરિયાણાના ફતેહાબાદના રતિયા વિસ્તારમાં ઘોડાએ મહિલા પર હુમલો કર્યો. જેથી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી. ત્યાંથી પસાર થતા લોકોએ ભારે મુશ્કેલીથી મહિલાને મોતના મુખમાંથી બચાવી. હકીકતમાં મહિલાને મોઢામાં પકડીને ઘોડો ભાગ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આ મામલો રતિયાના શક્તિનગર વિસ્તારનો છે. બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા ચોકમાંથી પસાર થઈ રહી હતી. જ્યાં પહેલેથી જ ઘોડો ફરતો હોય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ગલીમાં ઘોડો ઊભો છે અને મહિલા ત્યાંથી પાસેથી પસાર થઈ રહી છે. ઘોડો અચાનક જ હુમલો કરી તેને નીચે પાડી દે છે. ત્યારબાદ તેને મોઢાથી પકડીને ઢસડે છે.
મહિલાને ફસાયેલી જોઈને ત્યાંથી પસાર થતા લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. ઘોડો મહિલાને મોંમાં પકડીને જેવો દોડે છે કે હાજર લોકો બૂમો પાડે છે. ત્યારે તે મહિલાને થોડે દૂર છોડી દે છે. ઘોડાના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે, તે બ્યુટી પાર્લર ચલાવે છે અને તેના પાર્લર જવા માટે ઘરેથી નીકળી હતી. બીજી તરફ આ ઘટના બાદ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે શહેરમાં મોટી સંખ્યામાં રખડતા પશુઓ ફરે છે જે લોકો પર હુમલો કરે છે.