શહેરના હરણી મોટનાથ તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સહિત 14નો ભોગ લોનારી ગોઝારી બોટ દુર્ઘટનાને પગલે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સુરસાગરમાં કાર્યરત બોટીંગ ક્લબ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી સુરસાગર બોટીંગ ક્લબના સંચાલકો દ્વારા તેઓના સાધનોની ચકાસણીનો રિપોર્ટ બનાવી સુપરત નહિં કરે ત્યાં સુધી સુરસાગર બોટીંગ ક્લબ ચાલુ કરી શકાશે નહિં.
ગુરૂવારે નમતી બપોરે હરણી મોટનાથ તળાવમાં બાળકો અને શિક્ષિકાઓનો ભોગ લેનારી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ-2021-22માં સુરસાગરમાં PPP ધોરણે બોટીંગ ક્લબ શરૂ કરવામાં આવી હતી પરંતુ, ગુરૂવારે હરણી મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટના બાદ હવે સુરસાગર બોટીંગ ક્લબ પણ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 31 વર્ષ પહેલાં સુરસાગરમાં જન્માષ્ટીની રાત્રે બોટ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં 22 લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટના બાદ કાનૂની જંગ ચાલતો હોવાથી કોર્પોરેશન દ્વારા પુનઃ બોટીંગ ક્લબ શરૂ કરવામાં આવતી ન હતી. આ દરમિયાન કોર્ટમાંથી નિરાકરણ આવ્યા બાદ પુનઃ 30 વર્ષ પછી બોટીંગ ક્લબ PPP ધોરણે શરૂ કરવામાં આવી હતી.