રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી 17થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત - યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ પદે ગાંધીનગર ખાતેથી 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ સમારોહમાં ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણ અને વન મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કલાયમેટ ચેન્જની દિશામાં ગુજરાતમાં સપ્ટેમ્બર, 2009માં અલાયદા કલાઈમેન્ટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં સેમિનારો યોજાશે
આ પખવાડિયાના પૂર્વ કાર્યક્રમના ભાગરૂપે 16 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ ઓઝોન દિવસ’ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કલાઈમેટ ચેન્જ યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત 17 થી 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સાયન્સ સીટી, આઈ-હબ, એએમએ, નિરમા યુનિવર્સિટી, ટાગોર હોલ, ભુજ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વડનગર ખાતે સરકારી પોલીટેકનીક જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે.