રાજકોટ શહેરમાં શુક્રવારે આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. દિવસ દરમિયાન ક્યારેક વાદળો છવાતા હતા પણ ગરમીનો પ્રકોપ એટલો હતો કે તે વાદળો પણ રાહત આપી શક્યા ન હતા. સવારે પણ તાપમાન 35થી ઉપર રહ્યું હતું અને બપોરે બે વાગ્યે 43 ડિગ્રી સેલ્શિયસને પાર થયું હતું. સાંજ સુધીમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્શિયસ પહોંચી ગયું હતું.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ચાલુ સપ્તાહે ગરમી પડશે પણ સાંજે સાંજે વાદળો છવાશે તેમાં પણ શુક્રવારે બપોર પછી વરસાદની પણ શક્યતા દર્શાવાઈ હતી. દિવસ દરમિયાન વાદળો છવાતા વરસાદની શક્યતા લાગી હતી પણ વરસાદ તો પડ્યો નહિ પણ ગરમી છેલ્લા ત્રણ દિવસથી સૌથી વધુ તાપમાન શુક્રવારે નોંધાયુ હતું. આગામી સપ્તાહ માટે નિષ્ણાતોએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનમાં ઘટાડો આવશે અને 40થી 41 ડિગ્રી સેલ્શિયસ રહેશે જે મે માસનું સિઝનનું નોર્મલ તાપમાન ગણવામાં આવે છે. દિવસભર વાદળો ક્યારેક છવાશે તો ક્યારેક આકાશ સ્વચ્છ થાય તેવું પણ બનતું રહેશે. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં વાદળોની ઘનતા વધતી જશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પણ અણસાર છે.