રૈયાધારના ઇન્દિરાનગરમાં મોટાબાપુની સાથે રહેતા ઢોકળિયાના વતની શિવરાજ ગોવિંદભાઇ મૂછડિયા (ઉ.વ.18)નું મુંજકા નજીક પરશુરામ મંદિર પાસે રહેતા તેના ફઇના દીકરા રાહુલ હમીર મેરિયા, ખુશાલ હમીર મેરિયા, હમીર મનજી મેરિયા અને રોહિત કિરીટ ઉર્ફે તીરથ રાખશિયાએ અપહરણ કરી રાજકોટ લઇ આવી છરી, ધોકાના ઘા ઝીંક્યા હતા. ખૂની હુમલો કરી શિવરાજને રસ્તા પર મૂકી દીધો હતો અને હુમલાની આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં ખસેડાયેલા શિવરાજનું બુધવારે મધરાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, હમીર મેરિયાનો મોટો પુત્ર જયદીપ અવારનવાર દારૂ પીને તેના મામા ઢોકળિયા ગામે રહેતા ગોવિંદભાઇ મૂછડિયાના ઘરે જતો હતો અને તમારી પુત્રીના મારી સાથે લગ્ન કરાવી દો તેમ કહી ઝઘડો કરતો હતો. ગોવિંદભાઇ અને તેના પત્ની કંચનબેને મારકૂટ કરતાં જયદીપનું મોત નીપજ્યું હતું અને જયદીપની હત્યાના આરોપસર ગોવિંદભાઇ અને તેના પત્ની જેલમાં છે. જયદીપની હત્યાનો બદલો લેવા તેના બંને ભાઇ અને પિતાએ અપહરણ કરી છરીના ઘા ઝીંકી શિવરાજને મોતને ઘાટ ઉતારી દીધો હતો.