જૂનાગઢની મજેવડી ગેઇટ પાસેની દરગાહને નોટીસ બાદ પોલીસ પર હુમલા અને વ્યાપકપણે થયેલા પથ્થરમારામાં 200 થી વધુ લોકોને પોલીસે પકડ્યા હતા. જેમાં વિવિધ તબક્કે કોર્ટમાં રજૂ કરાયા બાદ કુલ 54 લોકોને આજે જેલ હવાલે કરાયા છે.
મજેવડી ગેઇટ ખાતેના તોફાનીઓ પૈકી 34 લોકોના રીમાન્ડની મુદ્દત પૂરી થતાં આજે તેઓને ફરી કોર્ટમાં રજૂ કરાતાં તેઓને જેલ હવાલે કરાયા છે. આ પૈકીના 5 થી 6 લોકોએ પોલીસે રીમાન્ડ દરમ્યાન માર માર્યાના નિવેદનો આપતાં તેઓને મેડીકલ ચેકઅપ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 28 લોકોને જૂનાગઢ જેલ હવાલે કરાયા છે.
આ ઉપરાંત પોલીસે બીજા 20 લોકોને પણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેઓને પણ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ લોકો હવે ઉપલી કોર્ટમાં જામીન અરજી રજૂ કરવાની તજવીજ કરશે. દરમ્યાન ગઇકાલે 4 સગીરોના પણ કોર્ટે નિવેદન લઇ તેઓને પણ મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા. દરમિયાન જૂનાગઢ એલસીબી કચેરી ખાતે પકડાયેલા લોકોના સગા-વ્હાલાઓની ભીડ રોજીંદી બાબત બની ગઇ છે.