બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન બાદ પીએમ શેખ હસીનાના રાજીનામા અને ભારત આવવાને લઈને તણાવ વધી રહ્યો છે. હવે પૂરના મુદ્દે ભારત અને બાંગ્લાદેશ સામ-સામે છે. વાસ્તવમાં પૂર્વી અને દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશના ઘણા જિલ્લાઓ 21 ઓગસ્ટથી પૂરની લપેટમાં છે.
પૂરની સ્થિતિ માટે ભારતને જવાબદાર ઠેરવતા સમગ્ર બાંગ્લાદેશમાં ભારત વિરોધી દેખાવો શરૂ થયા છે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે પૂર માટે ભારતનો ‘ફ્લડ બોમ્બ’ હુમલો જવાબદાર. ઢાકા યુનિવર્સિટી ભારતવિરોધી વિરોધના કેન્દ્રમાં છે જ્યાં 21 ઓગસ્ટની રાત્રે એક રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારતે ચેતવણીવાળા બંધોને ખોલી બાંગ્લાદેશમાં કુદરતી અને રાજકીય પૂર લાવ્યું છે.
અનામત આંદોલનના સંયોજક વિદ્યાર્થી હસનત અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે ડેમના દરવાજા ખોલી બાંગ્લાદેશને પૂરમાં ડૂબાડી દીધું છે. જ્યારે અમે નવા રાજ્યની રચના માટે લડી રહ્યા છીએ ત્યારે પાડોશી દેશ તરીકે અમને મદદ કરવાને બદલે ષડ્યંત્ર રચી રહ્યા છે. દરમિયાન, વચગાળાની સરકારના માહિતી સલાહકાર નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે ઉપરવાસનું પાણી બાંગ્લાદેશમાં પહોંચી રહ્યું છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.