શહેરના રાધાકૃષ્ણનગરમાં અષાઢી બીજના દિવસે ટોળાંએ ધમાલ મચાવી હુમલો કર્યાના બનાવ બનતા પોલીસે રાયોટ અંગેનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. શહેરના જંગલેશ્વરના રાધાકૃષ્ણનગર-18માં રહેતા રેખાબેન ધર્મેશભાઇ લીંબડિયા નામની પરિણીતાએ રમેશ કાળુ લાવડિયા, સુખદેવ કાળુ ચાવડા, ચેતન ધીરૂ ચાવડા, ધર્મેશ, દીપક, રાહુલ ઉર્ફે ચકી અને રાજદીપ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાણેજ લખનને વિસ્તારની જ યુવતી સાથે પ્રેમસંબંધ હોય રમેશ લાવડિયા સાથે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી બુધવારે ભાણેજ સાથે રમેશ ઝઘડો કરતો હોવાની માહિતી મળતા પોતે ત્યાં દોડી ગઇ હતી. જ્યાં રમેશ સહિતના શખ્સો ધોકા, પાઇપ સાથે ઊભા હતા. પોતે ત્યાં પહોંચતા જ પોતાના પર હુમલો કરી માર માર્યો હતો. આ સમયે સાસુ પણ દોડી આવતા બધાએ ભેગા થઇ માર મારી બંનેના કપડાં ફાડી નાખ્યા હતા. બાદમાં ઘર પાસે પડેલા વાહન પર પાઇપ-ધોકા ફટકારી નુકસાન કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.