પીજીવીસીએલ દ્વારા મોરબી રોડ પર આવેલી સોસાયટીમાં વીજચેકિંગ હાથ ધર્યું હતું. જે ચેકિંગ ઝુંબેશ દરમિયાન આરોપી મગન પાનસુરિયાએ તેના મકાનમાં વીજ કનેક્શન લીધા વગર ઘર પાસેથી પસાર થતા વીજથાંભલે લંગર નાંખી વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ચેકિંગ સમયે હાજર અધિકારીએ વીજચોરી કરનાર મગન પાનસુરિયાને બિલ આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સમયાંતરે પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા આરોપી મગન પાનસુરિયા વધુ ચાર વખત વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જે તે સમયે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મગન પાનસુરિયાને વીજચોરી અંગેના બિલ આપવામાં આવ્યા હતા.
દરમિયાન પાંચ-પાંચ વખત વીજચોરી કરવાના ગુનામાં પકડાયેલા મગન પાનસુરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી. જે કેસ જજ જે.આઇ.પટેલની કોર્ટમાં ચાલતા પીજીવીસીએલના પક્ષે રોકાયેલા એડવોકેટ જિતેન્દ્ર એમ.મગદાણી, એપીપી એ.એસ.ગોગિયાએ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તપાસનીશ અધિકારીની જુબાની લીધી હતી અને આરોપીએ કઇ રીતે વીજચોરી કરી તે અંગેની હકીકત જણાવી હતી. બંને પક્ષની રજૂઆત બાદ અદાલતે આરોપીએ વીજચોરી કરી હોવાનું સાબિત થતું હોવાનું જણાવી મગન પાનસુરિયાને દોષિત ઠેરવી પાંચેય કેસની પાંચ વર્ષની સજા એક સાથે ભોગવવાનો હુકમ કર્યો છે.