અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી ભારતથી લઇને દુનિયાના અનેક દેશોમાં રહેતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ કેટલાક અંશે અલગ છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોના મનમાં ભયનો માહોલ છે. થોડાક દિવસ પહેલાં ચૂંટણી દરમિયાન બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસા થઇ હતી જેના કારણે દહેશત વધી ગઇ છે.
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ કેટલાક લોકો અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરવા માટે પહોંચવા ઇચ્છુક છે. જોકે ઘર છોડીને ભારત આવવા માટેની તેમની હિંમત થઇ રહી નથી. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પરિવારોનું કહેવું છે કે અમે પણ દર્શન કરવા માટે ઇચ્છુક છીએ. જોકે પરત ફરવાની સ્થિતિમાં અહીંની સ્થિતિને લઇને દહેશતમાં છે.
પ્રાણપ્રતિષ્ઠાના દિવસે શોભાયાત્રાની મંજૂરી ન હતી
રમણકાલી મંદિરના અધ્યક્ષ ઉત્પલ સાહાએ કહ્યું છે કે જ્યારે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે મૌલાનાઓએ અહીં શોભાયાત્રા કાઢવાની સામે ચેતવણી આપી હતી. અહીં લોકોમાં તેમનાં ઘર અને મંદિરને લઇને ચિંતા હતી. સાહાનું કહેવું છે કે બાંગ્લાદેશમાં જમાત પાર્ટી હિન્દુઓને લઇને સૌથી વધુ નારાજ છે. તેમના માટે હિન્દુ મંદિરોને તોડવાની બાબત સામાન્ય છે. સાહા કહે છે કે ભારતમાં એટલું વિશાળ મંદિર બન્યું છે પરંતુ એક બાંગ્લાદેશી હિન્દુ હોવાના લીધે અને મંદિરના અધ્યક્ષ હોવાના કારણે તેઓ ચિંતાતુર છે. અહીં રહેનાર લોકોને 1993માં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ હિન્દુ પર હુમલા અને વ્યાપક હિંસા હજુ યાદ છે. તેમનું કહેવું છે કે આ સરકારમાં આ હાલત છે તો વિપક્ષી સત્તામાં આવ્યા તો શું થશે ?