જમ્મુ-કાશ્મીરની ચિનાબ ખીણનો 120 કિમીનો વિસ્તાર ધસી રહ્યો છે. દરરોજ જમીન એક ઇંચથી અડધા ફૂટ સુધી સરકી રહી છે. તેનું તાજું ઉદાહરણ રામબન છે, જ્યાં ગયા શુક્રવારે 800 મી. વિસ્તારમાં જમીન ધસતાં 70 ઘર નાશ પામ્યા હતા. અહીં વસવાટ કરતાં 400 લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પાણી અને વીજ સપ્લાય છેલ્લા સાત દિવસથી ઠપ છે.
ખીણમાં એક વર્ષમાં ત્રણ જિલ્લા ડોડા, રામબન અને કિશ્તવાડમાં જમીન ધસવાની છ ઘટનાઓ બની હતી. 900થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જમીન ધસવાના બે કારણો સામે આવ્યા છે. એક- અહીં ચાલી રહેલાં લગભગ 25 કરોડ રૂપિયાના ચાર પ્રોજેક્ટ.
બીજું- ડોડા અને કિશ્તવાડ વિસ્તાર ભૂકંપ ઝોન-4માં છે. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારોમાં 3.5ની તીવ્રતાના લગભગ 150 જેટલા આંચકા આવ્યા છે. રામબન જિલ્લા વિકાસ કમિશનર બસીર ઉલ હક ચૌધરીનું કહેવું છે કે જે ગતિએ જમીન ધસી રહી છે, તેનાથી અમે પણ ચિંતિત છીએ.
વિજ્ઞાની અને નિષ્ણાતોની ટીમ જમીનની સ્થિતિ અંગે તપાસ કરી રહી છે. ગૂલ વિસ્તારના 30 વર્ષીય જાવેદ અહેમદનું કહેવું છે કે માર્ચમાં હલ્લા વિસ્તારના 40 ગામમાં જમીન સરકી ગઈ હતી. હાલ સમગ્ર વિસ્તાર જોખમ હેઠળ છે. અમે જાન્યુઆરીથી પ્રશાસનને ફરિયાદ કરી રહ્યા છીએ.