છેલ્લા 2 મહિનાથી ચાલેલો ભારતનો સૌથી મોટો તહેવારનો અંત આવ્યો છે. ખૂબ જ રોમાંચકતા સાથે રમાયેલી આ વખતની IPLએ બધાને મજા કરાવી દીધી હતી. દરમિયાન દર વખતની જેમ આ વખતે પણ ટુર્નામેન્ટને નવા ખેલાડીઓ મળ્યા છે. દુનિયાની સૌથી અઘરી લીગ તરીકે ઓળખાતી IPLમાં આ વખતે પણ ગુજરાત પ્લેયર્સનો દબદબો જોવા મળ્યો છે. રવીન્દ્ર જાડેજા વિશે તો શું વાત જ કરવી! તેણે તો ચેન્નાઈને જિતાડીને ચેમ્પિયન બનાવ્યું છે. તો હાર્દિકની કેપ્ટનશિપ આખી સિઝનમાં શાનદાર રહી છે. અક્ષર પટેલના ઓલરાઉન્ડ પ્રદર્શને દિલ્હીને ઉગારીને અન્ય ટીમ સામે ફાઇટ અપાવી છે. તો સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર પ્રેરક માંકડે સિઝનની બીજી જ મેચમાં મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી હતી. આવી જ રીતે ગુજ્જુઓએ અન્ય ફિલ્ડની જેમ આ ફિલ્ડમાં પણ ધૂમ મચાવી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે આ સિઝનની રમેલી 16 મેચમાં કુલ માત્ર 7.56ની ઇકોનોમીથી 20 વિકેટ ઝડપી છે. ઉપરાંત તેણે બેટિંગથી પણ કમાલનું પરફોર્મન્સ આપ્યું છે. રવીન્દ્ર જાડેજાએ આ વખતે ત્રણવાર પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તો તેની ફિલ્ડિંગ વિશે જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. ગત રાત્રે રમાયેલી ફાઈનલમાં CSKને 2 બોલમાં 10 રનની જરૂર હતી, ત્યારે 'સર' જાડેજાએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ટીમને પાંચમીવાર ચેમ્પિયન બનાવ્યું છે.
રવીન્દ્ર જાડેજા હવે ઇંગ્લેન્ડમાં રમાનારી WTC ફાઈનલમાં ભાગ લેવા માટે જશે, ત્યારે ફરી આવું જ પ્રદર્શનની આશા રહેશે. ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ માટે પણ જાડેજાનું મહત્ત્વ વધશે.
ગુજરાત ટાઇટન્સને તેની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અત્યારસુધી શાનદાર રહી છે. તેની આગેવાની હેઠળમાં આ વખતે પણ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ઉપરાંત લીગ સ્ટેજમાં ટૉપ કર્યું હતું. તેણે ટીમ કોમ્બિનેશન સારી રીતે જાળવી રાખીને ટીમને ફાઈનલ સુધીની સફર ખેડાવી હતી. તેને હવે ટીમ ઈન્ડિયાનો ભવિષ્ટનો કેપ્ટન ગણવામાં આવી રહ્યો છે. તેના પરફોર્મન્સની વાત કરીએ તો આ વખતે પંડ્યાનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. બેટિંગમાં આ વખતે તેણે બે હાફ સેન્ચુરી મારી છે, તો બોલિંગમાં તેણે પાવરપ્લેમાં ઓવર નાખીને થોડી વિકેટ ઝડપી છે.