રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ઓપીડીની સુવિધા રવિવારે પણ મળે તેમજ સાંજે વધુ સમય ઓપીડી ચાલે તે માટે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ રવિવારે જ ગોત્રી અને SSGના તબીબોએ બહિષ્કાર કરી હાજર ન રહેતા દર્દીઓ અટવાયા હતા.
તબીબો ન હોવાથી તેઓ કાંઈ કરી શકે તેમ નહોતા
રાજ્ય સરકારે રવિવારે સવારે 9થી 1 અને સોમથી શનિ સાંજે 4થી 8 સુધી ઓપીડી ચાલુ રાખવા જાહેરાત કરી છે. પરંતુ ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. અને જુનિયર ડોક્ટરોએ વિરોધ કરી રાજ્ય સરકારને રજૂઆત કરી છે. પરંતુ સરકારે કોઈ પ્રત્યુતર આપ્યો નથી. બીજી તરફ ઓપીડીમાં સારવાર માટે આવનાર દર્દીઓ હોસ્પિટલમાં સવારે 8થી 10 વાગ્યા સુધી રાહ જોઈ પરત ફર્યા હતા. પેરા મેડિકલ સ્ટાફ હતો પરંતુ તબીબો ન હોવાથી તેઓ કાંઈ કરી શકે તેમ નહોતા.
સદંતર હડતાલ પર જવાની ચિમકી તેમણે ઉચ્ચારી
કેસ કઢાવી પોતાના સ્વજનોની બીમારીની સારવાર કરાવવા માટે કલાક સુધી રાહ જોયા બાદ તેમને પરત ફરવા સિવાય કોઈ વિકલ્પ થયો હતો. જો કે તબીબોએ સરકાર રજાના દિવસની ઓપીડી અને રાતના સમય સુધી ઓપીડી લંબાવવાને નિર્ણય પરત નહીં ખેંચે તો સદંતર હડતાલ પર જશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. જોકે આ અંગે આવતીકાલની મિટિંગમાં નિષ્કર્ષ આવે ત્યારબાદ નિર્ણય લેવાશે.