આ વખતે IPLમાં પહેલીવાર હિન્દી, ગુજરાતી, પંજાબી, ઉડિયા અને ભોજપુરી ભાષામાં પણ કોમેન્ટરીની મજા માણી શકાશે. એટલે કે હવે હિન્દી, અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં IPL પર કોમેન્ટરી થશે. સ્ટાર સ્પોર્ટ્સ પર હિન્દી, અંગ્રેજી સહિત 9 ભાષાઓમાં કોમેન્ટ્રી થશે. સ્ટાર ટીવી અને જિયો સિનેમામાં અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, બંગાળી, મલયાલમ ભાષાઓમાં કોમેન્ટ્રી હશે. IPLની 16મી સિઝન શુક્રવારથી શરૂ થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
ઘણા દિગ્ગજ ક્રિકેટરો IPLમાં અનેક ભાષાઓમાં કોમેન્ટરી માટે જિયો અને સ્ટાર સ્પોર્ટ્સ પર ડેબ્યૂ કરશે. જેમાં મુરલી વિજય, એસ શ્રીસંત, યુસુફ પઠાણ, મિતાલી રાજ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે.
સ્ટીવ સ્મિથ પ્રથમ વખત બેટને બદલે માઈક હાથમાં રાખશે
સ્ટારે ઈંગ્લિશ પેનલમાં સુનિલ ગાવસ્કર, જેક્સ કૈલિસ, કેવિન પીટરસન, મેથ્યુ હેડન, એરોન ફિન્ચ, ટોમ મૂડી, પોલ કોલિંગવૂડ, ડેનિયલ વિટોરી, ડેની મોરિસન, સ્ટીવ સ્મિથ અને ડેવિડ હસીને સામેલ કર્યા છે. એરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથ IPLમાં સ્ટાર ટીમ માટે પ્રથમ વખત કોમેન્ટ્રી કરતા જોવા મળશે.
IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર ક્રિસ ગેલ જિયો સિનેમાની ઈંગ્લિશકોમેન્ટ્રી પેનલમાં સામેલ છે. તેમના સિવાય IPLમાં પોતાનું શાનદાર પ્રદર્શન બતાવી ચુકેલા એબી ડીવિલિયર્સ, ઈયોન મોર્ગન, બ્રેટ લીનો પણ ઈંગ્લિશ કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેનલમાં ગ્રીમ સ્વાન, ગ્રીમ સ્મિથ, સ્કોટ સ્ટાયરિસ, સંજના ગણેશન, સુપ્રિયા સિંહ, સુહેલ ચંડોકને પણ સામેલ કરવામાં આવ્યા છે.